વલસાડ જિલ્લા પંચાયતમાં નવી શરૂઆત: હેતલબેન પટેલે પ્રમુખ પદનો કાર્યભાર સંભાળ્યો



વલસાડ જિલ્લા પંચાયતમાં નવી શરૂઆત: હેતલબેન પટેલે પ્રમુખ પદનો કાર્યભાર સંભાળ્યો



વલસાડ: વલસાડ જિલ્લા રાજકારણ અને વહીવટી તંત્રમાંથી આજે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ૨૬ મે, મંગળવારના રોજ બપોરે ૧૨:૦૦ વાગ્યે વલસાડ જિલ્લા પંચાયત કચેરી ખાતે નવા પ્રમુખ તરીકે હેતલબેન જીતેશભાઈ પટેલે વિધિવત રીતે પદભાર અને કાર્યભાર સંભાળી લીધો છે.
આ ઐતિહાસિક અને ગૌરવશાળી પળના સાક્ષી બનવા માટે વલસાડ જિલ્લા ભાજપ સંગઠનના હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને સમર્થકો જિલ્લા પંચાયત કચેરી ખાતે ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર પરિસરમાં નવા પ્રમુખના આગમનને લઈને ઉત્સાહ અને ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો.
આ પદગ્રહણ સમારોહમાં સૌથી વિશેષ આકર્ષણ હેતલબેન પટેલની એક અનોખી અને પ્રેરણાદાયી પહેલ રહી હતી. સામાન્ય રીતે નેતાઓના પદગ્રહણ સમયે ફૂલહાર, બુકે અને ગિફ્ટ આપવામાં આવે છે, પરંતુ હેતલબેન પટેલે પહેલ કરતા જાહેર અપીલ કરી હતી કે શુભેચ્છા આપવા આવનાર લોકો બુકે કે ગિફ્ટના બદલે નોટબુક લઈને આવે.
આ એકત્રિત થતી નોટબુક્સ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ભણતરમાં મદદરૂપ થવા માટે વિતરણ કરવામાં આવશે.
હેતલબેન પટેલની આ સંવેદનશીલ અને સેવાકીય પહેલને વલસાડની જનતા અને કાર્યકર્તાઓ દ્વારા વ્યાપક પ્રશંસા મળી રહી છે.




