નર્મદામાં દૂધ સંજીવની યોજનાના પેકેટ રસ્તા પર, વીડિયો વાયરલ



નર્મદામાં દૂધ સંજીવની યોજનાના પેકેટ રસ્તા પર, વીડિયો વાયરલ



Narmada News: નર્મદા જિલ્લાના કણબીપીઠા ગામ નજીકથી એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં દૂધ સંજીવની યોજનાના દૂધના પેકેટ રસ્તાની બાજુમાં ફેંકાયેલા જોવા મળતા સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે.
મળતી માહિતી મુજબ, સાગબારા અને ડેડીયાપાડા વચ્ચે આવેલા માર્ગ પર દૂધ સંજીવની યોજનાના પેકેટો પડેલા જોવા મળ્યા હતા. વાયરલ વીડિયોમાં દેખાતા કેટલાક પેકેટો પર 12-06-2026ની તારીખ પણ નોંધાયેલી હોવાનું સામે આવ્યું છે.
દૂધ સંજીવની યોજના હેઠળ આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકોને પોષણયુક્ત આહાર પૂરું પાડવાનો હેતુ રાખવામાં આવ્યો છે. ખાસ કરીને કુપોષણનો ભોગ બનતા બાળકોને પોષિત બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા આ યોજના અમલમાં મૂકવામાં આવી છે.
આવા સંજોગોમાં યોજનાના દૂધના પેકેટો રસ્તાની બાજુમાં ફેંકાયેલા જોવા મળતા અનેક સવાલો ઊભા થયા છે. શું આ પેકેટો લાભાર્થીઓ સુધી પહોંચ્યા નહોતા? અથવા વિતરણ પ્રક્રિયામાં કોઈ બેદરકારી દાખવવામાં આવી હતી? તે અંગે ચર્ચા શરૂ થઈ છે.
આ ઘટના આદિવાસી વિસ્તારોમાં બાળકોના પોષણ સાથે ચેડાં થવાના ગંભીર આક્ષેપોને પણ જન્મ આપી રહી છે. જો કે, વાયરલ વીડિયોની સત્યતા અને પેકેટો ત્યાં કેવી રીતે પહોંચ્યા તે અંગે સત્તાવાર તપાસ બાદ જ હકીકત સ્પષ્ટ થઈ શકશે. સ્થાનિક લોકો દ્વારા સમગ્ર મામલે યોગ્ય તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માગ ઉઠી રહી છે.




