ગેસના ભાવ ઘટાડાની માંગ સાથે મોરબીના સીરામીક ઉદ્યોગકારોનો વિરોધ



ગેસના ભાવ ઘટાડાની માંગ સાથે મોરબીના સીરામીક ઉદ્યોગકારોનો વિરોધ



મોરબી: મોરબીના સીરામીક ઉદ્યોગકારોએ ગેસના વધતા ભાવ સામે અવાજ ઉઠાવતા ગેસ કંપનીની ઓફિસે એકત્રિત થઈ આવેદનપત્ર આપ્યું હતું. ઉદ્યોગકારોએ ગેસના ભાવમાં તાત્કાલિક ઘટાડો કરવાની માંગણી કરી છે, કારણ કે વધતા ખર્ચને કારણે ઉદ્યોગ પર ભારે અસર પડી રહી છે.
યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાતા અગાઉ ગેસના ભાવોમાં નોંધપાત્ર વધારો થયો હતો, જેના કારણે મોરબીની ઘણી સીરામીક ફેક્ટરીઓને કામચલાઉ બંધ કરવાની ફરજ પડી હતી. તે સમયે ગેસનો ભાવ લગભગ 45 રૂપિયા પ્રતિ ક્યુબિક મીટર હતો, જ્યારે હાલ આ ભાવ વધીને આશરે 80 રૂપિયા સુધી પહોંચી ગયો છે. આ વધારો ઉદ્યોગકારો માટે ભારે બોજરૂપ બન્યો છે.
ગુજરાત ગેસ કંપનીએ મે મહિનામાં ગેસનો ભાવ 85 રૂપિયા પ્રતિ ક્યુબિક મીટર નક્કી કર્યો હતો, જેને લઈને ઉદ્યોગકારોમાં અસંતોષ ફેલાયો છે. સીરામીક એસોસિએશનના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે, હાલમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ નીચે આવવાની શક્યતા છે, ખાસ કરીને સીઝફાયર જેવી સ્થિતિ સર્જાતા ભાવમાં રાહત મળવાની આશા છે.
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઉદ્યોગકારોએ ગેસનો ભાવ ઓછામાં ઓછો 65 રૂપિયા આસપાસ નક્કી કરવાની રજૂઆત કરી છે. તેમનું કહેવું છે કે જો ગેસના ભાવમાં ઘટાડો નહીં થાય, તો ઉદ્યોગને ફરીથી મોટા પ્રમાણમાં નુકસાન સહન કરવું પડશે અને ઉત્પાદન પર પણ અસર પડશે.
ઉદ્યોગકારોએ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ પર યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે, તો તેઓ આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન પણ કરી શકે છે.




