ઈરાક સામે કિલિયન એમ્બાપ્પે રમશે 100મી આંતરરાષ્ટ્રીય મેચ, ફ્રાન્સ માટે વધુ એક ઐતિહાસિક સિદ્ધિ નજીક



ઈરાક સામે કિલિયન એમ્બાપ્પે રમશે 100મી આંતરરાષ્ટ્રીય મેચ, ફ્રાન્સ માટે વધુ એક ઐતિહાસિક સિદ્ધિ નજીક



કેનેડા 27 વર્ષીય કિલિયન એમ્બાપ્પેએ 16 જૂને સેનેગલ સામેની મેચમાં બે ગોલ ફટકારી ફ્રાન્સને 3-1થી જીત અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ બે ગોલ સાથે તેમણે 58 આંતરરાષ્ટ્રીય ગોલ પૂર્ણ કર્યા અને પૂર્વ સ્ટ્રાઈકર ઓલિવિયર જીરૂડના 57 ગોલના રેકોર્ડને પાછળ છોડી ફ્રાન્સ માટે સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી બન્યા.
ઈરાક સામેની મેચ પહેલાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં એમ્બાપ્પેએ કહ્યું હતું કે, “રાષ્ટ્રીય ટીમ કરતાં મોટું કંઈ નથી. 100 મેચ રમવી એ ઐતિહાસિક ક્ષણ છે અને વર્લ્ડ કપમાં આ સિદ્ધિ વધુ ખાસ બની જાય છે.”
એમ્બાપ્પેએ વર્ષ 2017માં માત્ર 18 વર્ષની ઉંમરે ફ્રાન્સ માટે આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કર્યું હતું. અત્યાર સુધી રમાયેલી 99 મેચમાં તેઓ 58 ગોલ નોંધાવી ચૂક્યા છે. તેઓ ફ્રાન્સ માટે 100 આંતરરાષ્ટ્રીય મેચ રમનાર 10મા ખેલાડી બનશે.
2018ના ફીફા વર્લ્ડ કપમાં ફ્રાન્સને ચેમ્પિયન બનાવવામાં એમ્બાપ્પેનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો હતો. તે ટૂર્નામેન્ટમાં તેમણે 4 ગોલ કર્યા હતા. જ્યારે 2022ના કતાર વર્લ્ડ કપમાં તેમણે 8 ગોલ ફટકારી ગોલ્ડન બૂટ જીત્યો હતો.
સેનેગલ સામેના બે ગોલ બાદ એમ્બાપ્પેના વર્લ્ડ કપમાં કુલ 14 ગોલ થઈ ગયા છે. વર્લ્ડ કપ ઇતિહાસમાં સૌથી વધુ 16-16 ગોલનો રેકોર્ડ Lionel Messi અને Miroslav Kloseના નામે છે, જ્યારે Ronaldoએ 15 ગોલ નોંધાવ્યા છે.
ફ્રાન્સ માટે હાલમાં સૌથી વધુ મેચ રમવાનો રેકોર્ડ Hugo Llorisના નામે છે, જેમણે 145 મેચ રમી છે. જો એમ્બાપ્પે ઈજાથી દૂર રહેશે તો ભવિષ્યમાં આ રેકોર્ડ તોડવાની પણ મજબૂત સંભાવના છે.
ફ્રાન્સ માટે ઈરાક સામેની મેચ ખૂબ મહત્વની છે. જીત મળતા જ ફ્રાન્સ રાઉન્ડ ઓફ 32માં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લેશે. એમ્બાપ્પેએ સ્પષ્ટ કર્યું કે વ્યક્તિગત રેકોર્ડ કરતાં ટીમની સફળતા વધુ મહત્વની છે અને ટીમનું સંપૂર્ણ ધ્યાન આગામી રાઉન્ડમાં પહોંચવા પર કેન્દ્રિત છે.




