કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાનું રાજીનામું, કહ્યું - આલાકમાને કહ્યું તેમ કર્યું...



કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાનું રાજીનામું, કહ્યું - આલાકમાને કહ્યું તેમ કર્યું...



Karnataka CM Resigns: કર્ણાટકમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે સિદ્ધારમૈયાએ રાજીનામું આપી દીધું છે. રાજીનામામાં તેમણે જણાવ્યું હતું કે, તેમણે હાઇકમાન્ડના કહેવા મુજબ કર્યું છે. તેમણે રાજ્યપાલના સચિવને પોતાનું રાજીનામું સુપરત કર્યું છે.
કર્ણાટકના કાયદામંત્રી એચકે પાટીલે ગુરુવારે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ તેમને અને અન્ય મંત્રીઓને પદ છોડવાના તેમના નિર્ણય વિશે જાણ કરી છે અને એ પણ જણાવ્યું છે કે, નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમાર આગામી મુખ્યમંત્રી હશે.
સંસદીય બાબતોના મંત્રી એચકે પાટીલે સિદ્ધારમૈયાના સત્તાવાર નિવાસસ્થાને યોજાયેલી બેઠકમાં હાજરી આપ્યા બાદ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી આજે બપોરે લોકભવનમાં રાજીનામું સુપરત કરવા જશે અને નેતૃત્વમાં ફેરફાર કોંગ્રેસ હાઈકમાન્ડના નિર્દેશો અનુસાર થયો છે. તેઓ જણાવે છે કે, મુખ્યમંત્રીએ હાઈકમાન્ડ સાથેની ચર્ચાઓને ટાંકીને કહ્યું છે કે તેઓ રાજીનામું આપી દેશે... પક્ષમાં કોઈ મતભેદ નથી. આ સર્વસંમતિથી લેવાયેલો નિર્ણય છે અને હાઈકમાન્ડે જે કહ્યું છે તેનાથી દરેક સહમત છે.
તેમણે એમ પણ જણાવ્યું હતું કે, પક્ષના નેતૃત્વએ પુષ્ટિ આપી છે કે, શિવકુમાર આગામી મુખ્યમંત્રી હશે અને વિધાનસભા પક્ષની બેઠકમાં યોગ્ય પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. પત્રકારોએ તેમને બેઠકની ઘટનાઓ વિશે પૂછ્યું ત્યારે શ્રમમંત્રી સંતોષ લાડ ભાવુક થઈ ગયા અને તેમની આંખોમાં આંસુ આવી ગયા હતા. આબકારી મંત્રી આર.બી. તિમ્માપુરે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીએ રાજીનામું આપવાના નિર્ણયની જાહેરાત કર્યા પછી કેટલાક મંત્રીઓ બેઠકમાં ભાવુક થઈ ગયા હતા.
વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી એનએસ બોસરાજુએ જણાવ્યું હતું કે, બેઠકમાં છેલ્લા ત્રણ વર્ષમાં સરકારના પ્રદર્શન અને ભવિષ્યની તૈયારીઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી. તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે, "આજે (નાસ્તા દરમિયાન) બધાએ બેઠકમાં હાજરી આપી હતી અને બધાએ સારા મુદ્દા ઉઠાવ્યા હતા. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ છેલ્લા ત્રણ વર્ષમાં સરકાર અને નાણાકીય વ્યવસ્થા કેવી રીતે કરી તે વિશે વાત કરી. તેમણે અમને આગામી બે વર્ષ સુધી આ જ રીતે કામ કરવાનું અને સખત મહેનત કરવાનો આગ્રહ કર્યો."




