નેધરલેન્ડમાં ભારતીય સમુદાયે PM મોદીનું કર્યું ભવ્ય સ્વાગત



નેધરલેન્ડમાં ભારતીય સમુદાયે PM મોદીનું કર્યું ભવ્ય સ્વાગત



નેધરલેન્ડ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે Netherlands પહોંચ્યા હતા, જ્યાં ભારતીય સમુદાય દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. PM મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ ભવ્ય સ્વાગતની કેટલીક ખાસ ઝલકીઓ શેર કરી હતી.

PM મોદીએ પોસ્ટમાં લખ્યું કે, “ગઈકાલે નેધરલેન્ડમાં ભારતીય સમુદાયનું સ્વાગત અદ્ભુત હતું. સ્વાગતમાં કથક, ઓડિસી, ભરતનાટ્યમ, કુચિપુડી અને મોહિનીયાટ્ટમ જેવા શાસ્ત્રીય નૃત્યોની રજૂઆત કરવામાં આવી હતી. સાથે જ ગરબાનું પણ ખાસ પ્રદર્શન થયું હતું.”
તેમના આ સત્તાવાર પ્રવાસ દરમિયાન PM મોદી ભારતીય સમુદાયને સંબોધિત કરશે તેમજ નેધરલેન્ડના મોટા બિઝનેસ લીડર્સ સાથે પણ ચર્ચા કરશે તેવી અપેક્ષા છે.
PM મોદી 17 મે સુધી નેધરલેન્ડમાં રહેશે. વર્ષ 2017 બાદ તેમનો આ બીજો નેધરલેન્ડ પ્રવાસ છે. આ મુલાકાત ભારત અને નેધરલેન્ડ વચ્ચેના વ્યૂહાત્મક, આર્થિક અને ટેક્નોલોજીકલ સહકારને વધુ મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા Randhir Jaiswalએ X પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, “PM મોદી નેધરલેન્ડ પહોંચી ગયા છે. આ મુલાકાત ભારત-નેધરલેન્ડ ભાગીદારીને વધુ મજબૂત બનાવશે અને યુરોપના મોટા ભારતીય સમુદાય સાથે જોડાવાનો અવસર આપશે.”
વિદેશ મંત્રાલયના સચિવ (પશ્ચિમ) Sibi Georgeએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષોમાં વેપાર, રોકાણ, પાણી વ્યવસ્થાપન, કૃષિ, આરોગ્ય, ટેક્નોલોજી, ઇનોવેશન, રક્ષા, સેમિકન્ડક્ટર, રિન્યુએબલ એનર્જી, શિક્ષણ અને મેરિટાઇમ ક્ષેત્રમાં ભારત-નેધરલેન્ડ સહકાર વધુ ગાઢ બન્યો છે.
ઉલ્લેખનીય છે કે નેધરલેન્ડમાં 90 હજારથી વધુ ભારતીયો અને ભારતીય મૂળના લોકો રહે છે, જ્યારે 2 લાખથી વધુ સુરીનામી-હિંદુસ્તાની સમુદાય પણ વસે છે. ઉપરાંત દેશની વિવિધ યુનિવર્સિટીમાં આશરે 3,500 ભારતીય વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી રહ્યા છે.




