‘પેટ્રોલિયમ ઉત્પાદનો સંયમથી વાપરવા જોઈએ’, જાણો PM મોદી કેમ આવું બોલ્યા



‘પેટ્રોલિયમ ઉત્પાદનો સંયમથી વાપરવા જોઈએ’, જાણો PM મોદી કેમ આવું બોલ્યા



Narendra Modi Speech: પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને વૈશ્વિક ઉર્જા સંકટ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાગરિકોને પેટ્રોલિયમ ઉત્પાદનોનો ઉપયોગ ઓછો કરવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે, જરૂરિયાત મુજબ ઇંધણ, પેટ્રોલ, ડીઝલ અને ગેસનો ઉપયોગ કરવો એ સમયની માગ છે. વડાપ્રધાને જણાવ્યું હતું કે, તેનાથી દેશનું વિદેશી હૂંડિયામણ બચશે અને યુદ્ધ જેવી પરિસ્થિતિઓનો પ્રભાવ ઓછો થશે. તેમણે હૈદરાબાદમાં ₹9,400 કરોડના પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન અને શિલાન્યાસ સમારોહમાં આ નિવેદન આપ્યું હતું.
પીએમ મોદીએ પેટ્રોલિયમ ઉત્પાદનો વિશે શું કહ્યું?
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભારત વિદેશથી મોટા પ્રમાણમાં પેટ્રોલિયમ ઉત્પાદનોની આયાત કરે છે. તેથી જો લોકો જરૂર કરતાં વધુ પેટ્રોલ, ડીઝલ અને ગેસનો ઉપયોગ કરે છે, તો તેની સીધી અસર દેશના અર્થતંત્ર પર પડશે. તેમણે કહ્યું કે, વિશ્વ હાલમાં એક મોટા ઉર્જા સંકટમાંથી પસાર થઈ રહ્યું છે અને પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવે ચિંતામાં વધુ વધારો કર્યો છે. પીએમ મોદીએ લોકોને પેટ્રોલિયમ ઉત્પાદનોનો ઉપયોગ ખૂબ જ સમજદારીપૂર્વક કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, તેનાથી માત્ર વિદેશી હૂંડિયામણની બચત થશે જ નહીં પરંતુ યુદ્ધ અને વૈશ્વિક કટોકટીની અસર પણ ઓછી થશે.
સરકાર અન્ય ઉર્જા વિકલ્પો પર ઝડપથી કેમ કામ કરી રહી છે?
પ્રધાનમંત્રીએ કહ્યું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત સૌર ઉર્જાના ક્ષેત્રમાં વિશ્વના અગ્રણી દેશોમાંનો એક બની ગયો છે. તેમણે કહ્યું કે, પેટ્રોલમાં ઇથેનોલ ભેળવવાનું કામ ઝડપથી વધ્યું છે. સરકાર પહેલાં દેશના દરેક ઘરને LPG પૂરું પાડવા પર કામ કરી રહી હતી અને હવે સસ્તા દરે પાઇપ ગેસ ઉપલબ્ધ કરાવવા પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આ સાથે CNG આધારિત સિસ્ટમોને પણ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે, આ બધા પ્રયાસોને કારણે ભારત વિશ્વના મોટા ઉર્જા સંકટનો મજબૂત રીતે સામનો કરવા સક્ષમ છે.




