હૈદરાબાદ-જયપુર સ્પેશિયલ ટ્રેનમાં ભીષણ આગ, બે AC કોચ બળીને ખાક



હૈદરાબાદ-જયપુર સ્પેશિયલ ટ્રેનમાં ભીષણ આગ, બે AC કોચ બળીને ખાક



Hyderabad Train Fire: હૈદરાબાદ-જયપુર સ્પેશિયલ ટ્રેનમાં શુક્રવારે હૈદરાબાદના નામપલ્લી રેલવે સ્ટેશને અચાનક ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ ટ્રેનના થ્રી ટાયર એસી કોચમાં લાગી હતી. કોચ B1 અને B2માં લાગી હતી અને ત્યારબાદ રેલવે સ્ટેશન પરિસરમાં હડકંપ મચ્યો હતો.
મળતી માહિતી પ્રમાણે, ટ્રેન સાંજે સાત વાગ્યે નામપલ્લી રેલવે સ્ટેશનથી જયપુર માટે રવાના થવાની હતી. ત્યારે આ દરમિયાન અચાનક કોચમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો અને આગની જ્વાળાઓ નીકળવા લાગી હતી. આ ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન ચાલુ કર્યો હતો.
રાહતની વાત એ છે કે, આ દુર્ઘટના સમયે કોચમાં કોઈ યાત્રી હાજર નહોતો. તેથી મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. ટ્રેન નામપલ્લીથી સાંજે 7 વાગ્યે જયપુર માટે રવાના થતી હતી. રેલવે કર્મચારીઓની સતર્કતાને પગલે યાત્રિકોને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા હતા અને સ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે મદદ મળી હતી.
ઉલ્લેખનીય છે કે, આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. રેલવે અને ફાયરવિભાગની ટીમ આ મામલે તપાસ કરી રહી છે.




