આંધ્રપ્રદેશમાં ભીષણ અકસ્માત: બસ-ટ્રક ટક્કર બાદ આગ, 10 મુસાફરો જીવતા ભસ્મ; અનેક ગંભીર ઘાયલ



આંધ્રપ્રદેશમાં ભીષણ અકસ્માત: બસ-ટ્રક ટક્કર બાદ આગ, 10 મુસાફરો જીવતા ભસ્મ; અનેક ગંભીર ઘાયલ



આંધ્રપ્રદેશના માર્કપુરમ જિલ્લોમાં ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે રાયવરમ નજીક ખાનગી લક્ઝરી બસ અને કાંકરી ભરેલા ટિપર ટ્રક વચ્ચે સામસામે જોરદાર ટક્કર થતાં બસમાં ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં 10 મુસાફરો જીવતા જ આગની જ્વાળાઓમાં ભસ્મ થઈ જતા હાહાકાર મચી ગયો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ, ‘હરિકૃષ્ણ’ ટ્રાવેલ્સની ખાનગી બસ અંદાજે 40 મુસાફરોને લઈને હૈદરાબાદથી પામુર તરફ જઈ રહી હતી. બસ જ્યારે રાયવરમ નજીક લાકડાની ખાણ પાસે પહોંચી ત્યારે સામેથી આવી રહેલા ટ્રક સાથે અથડાઈ હતી. ટક્કર એટલી ભયાનક હતી કે બસ ડિવાઈડર સાથે અથડાઈ પલટી ગઈ અને ગણતરીની મિનિટોમાં જ બન્ને વાહનોમાં આગ ફાટી નીકળી હતી.
અકસાન બાદ સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા, પરંતુ આગની જ્વાળાઓ એટલી વિકરાળ હતી કે અંદર ફસાયેલા મુસાફરોને બહાર કાઢવું મુશ્કેલ બની ગયું હતું. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો, પરંતુ ત્યાં સુધીમાં બસ સંપૂર્ણપણે બળી ને ખાખ થઈ ગઈ હતી.
પોલીસના જણાવ્યા મુજબ, આ અકસ્માતમાં 10 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા છે, જ્યારે આશરે 20 જેટલા મુસાફરો ગંભીર રીતે દાઝી ગયા છે. અન્ય કેટલાક લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. તમામ ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં કેટલાકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક તપાસમાં અકસ્માતનું કારણ વધુ ઝડપ હોવાનું મનાઈ રહ્યું છે. પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. આ કરુણ અકસ્માતને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે




