સરસપુરમાં ‘મામા’ બનવા ડ્રો: મેમનગરના દવે પરિવારને મળ્યો મોકો, રથયાત્રાની તૈયારીઓ તેજ



ફાઈલ ફોટો
સરસપુરમાં ‘મામા’ બનવા ડ્રો: મેમનગરના દવે પરિવારને મળ્યો મોકો, રથયાત્રાની તૈયારીઓ તેજ



ફાઈલ ફોટો
અમદાવાદ: જગન્નાથ મંદિર જમાલપુર ખાતે યોજાનારી 149મી રથયાત્રાને લઈને શહેરમાં ધાર્મિક ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રથયાત્રાની તૈયારીઓને આગળ વધારતા સરસપુર ખાતે ભગવાનના ‘મામા’ બનવા માટે ડ્રો યોજાયો હતો, જેમાં શહેરના મેમનગર વિસ્તારમાં રહેતા દવે પરિવારને આ સન્માન મળ્યું છે.
મળતી માહિતી મુજબ, મેમનગરના તેજસભાઈ દવે આ વર્ષે ભગવાન જગન્નાથના ‘મામા’ બનશે. દવે પરિવાર છેલ્લા સાત વર્ષથી આ મોકાની રાહ જોઈ રહ્યો હતો. હવે તેમને આ અવસર મળતા તેઓ ભગવાનનું મામેરુ પરંપરાગત રીતે ધામધૂમથી ઉજવશે.
ઉલ્લેખનીય છે કે રથયાત્રા માટેની તૈયારીઓનો વિધિવત પ્રારંભ ગત અક્ષય તૃતીયાના પવિત્ર દિવસે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મંદિર ખાતે રથપૂજન કરવામાં આવ્યું હતું, જેમાં મહંત અને ટ્રસ્ટીઓની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત વિધિ મુજબ કાર્યક્રમ યોજાયો હતો.
તે ઉપરાંત, ઉનાળાની ગરમીમાં ભગવાનને શીતળતા અર્પવા ‘ચંદનયાત્રા’નો પણ પ્રારંભ કરવામાં આવ્યો છે. આ વિધિ અંતર્ગત ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રના વિગ્રહ પર ચંદનનો લેપ લગાવવામાં આવે છે, જે પરંપરાગત માન્યતાઓ અનુસાર મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
હવે રથોના સમારકામ, રંગરોગાન અને અન્ય આયોજનને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ વર્ષે રથયાત્રા 16 જુલાઈ, 2026ના રોજ યોજાનાર છે, જેને લઈ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.




