કોલકાતામાં 2021 બંગાળ ચૂંટણી બાદની હિંસામાં માર્યા ગયેલા કાર્યકરોના પરિવારોને સરકારી નોકરી આપવાનો CMનું વચન



કોલકાતામાં 2021 બંગાળ ચૂંટણી બાદની હિંસામાં માર્યા ગયેલા કાર્યકરોના પરિવારોને સરકારી નોકરી આપવાનો CMનું વચન



પશ્ચિમ બંગાળ: પશ્ચિમ બંગાળમાં વર્ષ 2021ની વિધાનસભા ચૂંટણી બાદ થયેલી હિંસાને લઈને રાજકારણ ફરી ગરમાયું છે. રાજ્યના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ ચૂંટણી પછી હિંસામાં મોતને ભેટેલા લોકોના પરિવારજનોને નોકરી આપવાનો મોટો વાયદો કર્યો છે.
હિંસાગ્રસ્ત કાર્યકરોની જવાબદારી લેવાની જાહેરાત
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, 2021ની ચૂંટણી બાદ હિંસામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને નોકરી આપવામાં આવશે. સાથે જ રાજ્યમાં રાજકીય હિંસાનો ભોગ બનેલા પાર્ટી કાર્યકરોની પણ જવાબદારી સરકાર લેશે.
ભાજપ ઉમેદવારને યાદી મોકલવા સૂચના
સુવેન્દુ અધિકારીએ ફાલ્ટા બેઠકના ભાજપ ઉમેદવાર દેવાંગ્શુ પાંડા ને નિર્દેશ આપ્યો કે, અગાઉની સત્તાધારી પાર્ટીના કાર્યકરો દ્વારા અત્યાચારનો ભોગ બનેલા કાર્યકરોની યાદી તેમને મોકલવામાં આવે. આ યાદીના આધારે પીડિતોને તમામ પ્રકારની સહાય આપવામાં આવશે.
“તમારો મુખ્યમંત્રી હંમેશા તમારી સાથે રહેશે”
સુવેન્દુ અધિકારીએ કાર્યકરોને સંબોધતા કહ્યું કે, “તમારો મુખ્યમંત્રી હંમેશા તમારી સાથે રહેશે.” તેમના આ નિવેદન બાદ રાજકીય માહોલ વધુ ગરમાયો છે.
ભાજપનો દાવો – 321 કાર્યકરોના મોત
ભાજપના અંદાજ મુજબ, 2021ની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી બાદ થયેલી હિંસામાં રાજ્યભરમાં કુલ 321 ભાજપ કાર્યકરોના મોત થયા હતા.
ફાલ્ટા બેઠક પર ફરી મતદાન
ફાલ્ટા વિધાનસભા બેઠક પર 29 એપ્રિલે બીજા તબક્કામાં મતદાન યોજાયું હતું. મતદાન દરમિયાન ચૂંટણી ગડબડીઓની અનેક ફરિયાદો સામે આવી હતી.
EVM પર સફેદ ટેપ લગાવ્યાનો આરોપ
કેટલાક મતદાન મથકો પર ભાજપ ઉમેદવારના નામ અને ચૂંટણી ચિહ્ન સામેના EVM બટનો પર સફેદ ટેપ લગાવવામાં આવી હોવાના આક્ષેપો થયા હતા.
ચૂંટણી પંચે આપ્યો રી-પોલનો આદેશ
આ મામલે વિશેષ ચૂંટણી નિરીક્ષક સુબ્રત ગુપ્તાએ ફાલ્ટાની મુલાકાત લઈને તપાસ કરી હતી. તેમની રિપોર્ટના આધારે ભારત ચૂંટણી પંચે સમગ્ર ફાલ્ટા વિધાનસભા બેઠક પર ફરી મતદાન કરવાનો આદેશ આપ્યો છે.
21 મેના રોજ ફરી મતદાન, 24મે પરિણામ
ચૂંટણી પંચના નિર્ણય મુજબ ફાલ્ટા બેઠક પર 21 મેના રોજ ફરી મતદાન યોજાશે, જ્યારે 24 મેના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે.




