ઊર્જા સપ્લાયને બૂસ્ટ: 20,400 મેટ્રિક ટન LPG લઈને કંડલા પહોંચ્યું જહાજ



ઊર્જા સપ્લાયને બૂસ્ટ: 20,400 મેટ્રિક ટન LPG લઈને કંડલા પહોંચ્યું જહાજ



ગુજરાતના કંડલા પોર્ટ પર આજે LPGનો વિશાળ જથ્થો લઈને વધુ એક જહાજ પહોંચી ગયું છે. ‘MV જગ વિક્રમ’ નામનું આ જહાજ 20,400 મેટ્રિક ટન લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ (LPG) સાથે પોર્ટ પર આવ્યું છે, જેને કારણે ઊર્જા સપ્લાય ચેઇન વધુ મજબૂત બનવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
મળતી માહિતી મુજબ, જહાજને કંડલા પોર્ટની ઓઈલ જેટી–1 પર સલામત રીતે લાંગરવામાં આવ્યું છે. પોર્ટ અધિકારીઓ અને સંબંધિત વિભાગોની દેખરેખ હેઠળ તમામ સુરક્ષા માપદંડોનું પાલન કરીને આ ઓપરેશન પૂર્ણ કરવામાં આવ્યું છે. જહાજમાંથી LPGનું અનલોડિંગ પાઈપલાઈન મારફતે કરવામાં આવશે, જેથી ગેસને રિફાઈનરી અને સ્ટોરેજ સુવિધાઓ સુધી પહોંચાડી શકાય.
વિશાળ જથ્થામાં LPGની આવકને કારણે સ્થાનિક તથા ઔદ્યોગિક વપરાશ માટે ગેસ સપ્લાયમાં સ્થિરતા જળવાઈ રહેશે. ઊર્જા ક્ષેત્ર સાથે જોડાયેલા અધિકારીઓએ જણાવ્યું કે સતત આવી રહેલા શિપમેન્ટથી દેશમાં LPGની ઉપલબ્ધતા મજબૂત બની રહી છે અને પુરવઠા વ્યવસ્થામાં કોઈ વિક્ષેપ ન આવે તેની કાળજી લેવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિઓ વચ્ચે પણ કંડલા પોર્ટ પર ઊર્જા સંબંધિત જહાજોની નિયમિત આવક ચાલુ છે, જે ભારતની સપ્લાય ચેઇન મજબૂત હોવાનો સંકેત આપે છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, તમામ પ્રક્રિયાઓ સુરક્ષિત રીતે અને નિયમાનુસાર પૂર્ણ કરવામાં આવી રહી છે.




