ગુજરાતમાં પર્યટન સુરક્ષાને લઈ મોટું પગલું, 3 જિલ્લાઓમાં ‘ટુરિસ્ટ ફ્રેન્ડલી પોલીસ સ્ટેશન’ શરૂ થશે



ગુજરાતમાં પર્યટન સુરક્ષાને લઈ મોટું પગલું, 3 જિલ્લાઓમાં ‘ટુરિસ્ટ ફ્રેન્ડલી પોલીસ સ્ટેશન’ શરૂ થશે



ગુજરાતમાં વધતા પર્યટનને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે પર્યટકોની સુરક્ષા મજબૂત બનાવવા મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્ય પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવ ની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં ‘ટુરિસ્ટ ફ્રેન્ડલી પોલીસ સ્ટેશન’ શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે.
પ્રથમ તબક્કામાં ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા અને ડાંગ જિલ્લાઓમાં આ પ્રોજેક્ટનો અમલ કરવામાં આવશે. આ ત્રણેય જિલ્લાઓ રાજ્યના મુખ્ય પર્યટન કેન્દ્રો હોવાથી અહીં દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે.
આ નવી વ્યવસ્થામાં પર્યટકોને સરળ અને ઝડપી સહાય મળે તે માટે ખાસ ટ્રેઇનિંગ પ્રાપ્ત પોલીસ સ્ટાફ તહેનાત કરવામાં આવશે. સાથે જ ટુરિસ્ટ પોલીસને અલગ અને આકર્ષક યુનિફોર્મ આપવામાં આવશે, જેથી પર્યટકો તેમને સરળતાથી ઓળખી શકે.
સરકાર દ્વારા ‘ટુરિસ્ટ પોલીસ એપ’ પણ લોન્ચ કરવામાં આવશે, જેના માધ્યમથી પર્યટકો સીધી પોલીસ સાથે સંપર્ક કરી શકશે. ઉપરાંત મહત્વના સ્થળોએ હેલ્પ ડેસ્ક અને કિયોસ્ક પણ સ્થાપિત કરવામાં આવશે, જ્યાં પર્યટકોને માર્ગદર્શન, સુરક્ષા અને અન્ય જરૂરી માહિતી મળશે.
આ પહેલથી પર્યટકોમાં સુરક્ષાની ભાવના વધશે અને ગુજરાતને એક સેફ અને ટુરિસ્ટ-ફ્રેન્ડલી રાજ્ય તરીકે વધુ મજબૂત ઓળખ મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.




