સુરતમાં નકલી ઘીનો મોટો પર્દાફાશ, વિદુર બ્રાન્ડના નામે વેચાતું ડુપ્લિકેટ ઘી; પોલીસે બે શખ્સની કરી ધરપકડ



સુરતમાં નકલી ઘીનો મોટો પર્દાફાશ, વિદુર બ્રાન્ડના નામે વેચાતું ડુપ્લિકેટ ઘી; પોલીસે બે શખ્સની કરી ધરપકડ



સુરત: શહેરના સચિન વિસ્તારમાં નકલી ઘી બનાવવાની અને વેચવાની મોટી હેરાફેરીનો પોલીસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસે વિદુર બ્રાન્ડના નામે ડુપ્લિકેટ ગાયના ઘીનું વેચાણ કરતા બે આરોપીની ધરપકડ કરી છે. તેમની પાસેથી કુલ 2029 કિલો નકલી ઘી અને આશરે ₹36 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ આરોપીઓ ઢાબા, રેસ્ટોરન્ટ તેમજ સ્થાનિક બજારમાં સસ્તા ભાવે નકલી ઘીનું વેચાણ કરતા હતા. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા આ રેકેટ સામે પોલીસને માહિતી મળતા સચિન વિસ્તારમાં આવેલ ગોડાઉન પર રેડ કરવામાં આવી હતી.
રેડ દરમિયાન પોલીસે ગોડાઉનમાંથી મોટા પ્રમાણમાં નકલી ઘી જપ્ત કર્યું હતું. સાથે જ ₹36 લાખ જેટલી રોકડ રકમ પણ મળી આવી હતી. પોલીસે ભરત પોલરા અને અમીન વાઢવણીયા નામના બે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ નકલી ઘી બનાવવા માટે વનસ્પતિ તેલ, કલર અને એસેન્સનો ઉપયોગ કરતા હતા. ત્યારબાદ વિદુર બ્રાન્ડના ગાયના ઘીનું સ્ટીકર લગાવીને તેને મૂળ પ્રોડક્ટ તરીકે વેચતા હતા.
આ નકલી ઘી દક્ષિણ ગુજરાતના વિવિધ ઢાબા, રેસ્ટોરન્ટ અને છૂટક ગ્રાહકોને ₹600 થી ₹1000 પ્રતિ કિલોના દરે વેચવામાં આવતું હતું. પોલીસએ બંન્ને આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

