MIમાં મોટો વિસ્ફોટ, હાર્દિક પંડ્યા ટીમ છોડવાની તૈયારીમાં



MIમાં મોટો વિસ્ફોટ, હાર્દિક પંડ્યા ટીમ છોડવાની તૈયારીમાં



મુંબઈ: મુંબઈ ઈન્ડિયન્સ (MI)માં મોટા ફેરફારની ચર્ચાઓએ ક્રિકેટ જગતમાં ખળભળાટ મચાવી દીધો છે. IPL 2026માં ટીમના નિરાશાજનક પ્રદર્શન બાદ કેપ્ટન હાર્દિક પંડ્યા અને ફ્રેન્ચાઇઝી વચ્ચે ગંભીર મતભેદ સર્જાયા હોવાના અહેવાલો સામે આવ્યા છે. અંદરખાનેથી મળતી માહિતી મુજબ, હાર્દિક પંડ્યાએ મેનેજમેન્ટને આગામી સીઝનમાં ટીમ સાથે આગળ ન રહેવાનો પોતાનો નિર્ણય પણ જણાવી દીધો છે.
મળતી વિગતો મુજબ, ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) સામેની 44મી મેચ બાદ હાર્દિક અચાનક ટીમથી દૂર થઈ ગયો હતો, જેના કારણે અનેક અટકળોને વેગ મળ્યો છે. શરૂઆતમાં તેને પીઠની ઈજા હોવાનું જણાવાયું હતું, પરંતુ હવે ટીમ અંદર ચાલી રહેલા તણાવ અને મતભેદોની ચર્ચા વધુ તેજ બની છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, સતત દબાણ, ચાહકોની ટીકા અને અપેક્ષિત પરિણામો ન મળવાને કારણે હાર્દિક માનસિક રીતે થાકી ગયો હતો. સાથે જ ડ્રેસિંગ રૂમમાં એકતા ન હોવાની ચર્ચાઓ પણ સામે આવી રહી છે, જેના કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની હોવાનું મનાઈ રહ્યું છે.
હાર્દિકે વર્ષ 2024માં રોહિત શર્મા પાસેથી મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ સંભાળી હતી. ત્યારથી જ ટીમમાં આંતરિક મતભેદો અને ચાહકોની નારાજગીની ચર્ચાઓ સતત ચાલી રહી છે. હવે આ વિવાદે વધુ મોટું સ્વરૂપ લીધું છે.
હાલમાં સોશિયલ મીડિયા પર હાર્દિક પંડ્યાના આગામી પગલાંને લઈને અનેક અટકળો ચાલી રહી છે. જો તે મુંબઈ છોડે છે તો ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) તેના સંભવિત વિકલ્પ તરીકે ચર્ચામાં છે. જોકે આ અંગે કોઈ પણ ફ્રેન્ચાઇઝી તરફથી સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
જો હાર્દિક પંડ્યા ટીમ છોડે છે તો મુંબઈ ઈન્ડિયન્સ સામે નવા કેપ્ટનની પસંદગીનો મોટો પડકાર ઉભો થશે, જેમાં રોહિત શર્મા અને તિલક વર્માના નામ આગળ આવી રહ્યા છે. હવે તમામની નજર આગામી નિર્ણય અને સત્તાવાર જાહેરાત પર ટકેલી છે.




