આંધ્રપ્રદેશની કાયમી રાજધાની હવેથી અમરાવતી, રાષ્ટ્રપતિની મંજૂરી બાદ CM ચંદ્રબાબુ નાયડુએ કરી ઘોષણા



ફાઇલ તસવીર
આંધ્રપ્રદેશની કાયમી રાજધાની હવેથી અમરાવતી, રાષ્ટ્રપતિની મંજૂરી બાદ CM ચંદ્રબાબુ નાયડુએ કરી ઘોષણા



ફાઇલ તસવીર
Andhrapradesh New Capital Amravati: આંધ્રપ્રદેશના વિકાસ અને ઓળખ માટે આજે એક ઐતિહાસિક દિવસ છે. મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ મંગળવારે અમરાવતીને રાજ્યની એકમાત્ર કાયમી રાજધાની તરીકે નિયુક્ત કર્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આંધ્રપ્રદેશ પુનર્ગઠન (સુધારા) અધિનિયમ, 2026ને મંજૂરી આપ્યા બાદ આ જાહેરાત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ આંધ્રપ્રદેશની રાજધાની હૈદરાબાદ હતી.
સંસદથી રાષ્ટ્રપતિ સુધીની સફર
સંસદના તાજેતરમાં પૂર્ણ થયેલા બજેટ સત્ર દરમિયાન કેન્દ્ર સરકારે ‘આંધ્ર પ્રદેશ પુનર્ગઠન અધિનિયમ (સુધારા) બિલ, 2026’ રજૂ કર્યું હતું. આ બિલ લોકસભા અને રાજ્યસભા બંનેમાં ભારે બહુમતીથી પસાર થયું. રાષ્ટ્રપતિની સહી સાથે અમરાવતી હવે રાજધાની તરીકે કાયદેસર અને બંધારણીય માન્યતા ધરાવે છે.
સીએમ નાયડુએ આભાર વ્યક્ત કર્યો
મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આભાર વ્યક્ત કરતા લખ્યું કે, ‘આંધ્રપ્રદેશના લોકો વતી હું માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીનો હૃદયપૂર્વક આભાર માનું છું. તેમની મંજૂરીથી આજે રાજધાનીનું આપણું લાંબા સમયથી ચાલતું સ્વપ્ન સાકાર થયું છે.’ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર અને બિલને સમર્થન આપનારા તમામ સાંસદોનો આભાર માન્યો હતો. નાયડુએ ખાસ કરીને રાજધાનીના નિર્માણ માટે જમીન દાનમાં આપનારા ખેડૂતોને આ વિજયનો શ્રેય આપ્યો હતો.
ત્રણ રાજધાનીઓનો વિવાદ સમાપ્ત
પાછલી સરકારે આંધ્રપ્રદેશ માટે ત્રણ રાજધાની (વિશાખાપટ્ટનમ, અમરાવતી અને કુર્નૂલ)નો પ્રસ્તાવ મૂક્યો હતો, જેના કારણે રાજ્યમાં વહીવટી મૂંઝવણ ઊભી થઈ હતી. નાયડુના નેતૃત્વ હેઠળની ટીડીપી-એનડીએ સરકારે હવે સ્પષ્ટતા કરી છે કે, અમરાવતી રાજ્યનું એકમાત્ર વહીવટી, કાયદાકીય અને ન્યાયિક કેન્દ્ર હશે. અમરાવતીને હવે એક અત્યાધુનિક "સિંગાપોર મોડેલ" શહેર તરીકે વિકસાવવામાં આવશે, જે રાજ્યમાં એકંદર વિકાસ અને રોકાણ માટે એક મુખ્ય કેન્દ્ર તરીકે સેવા આપશે.




