IAFને સ્વદેશી 'નેત્ર' AEW&C સિસ્ટમને અંતિમ ઓપરેશનલ મંજૂરી, ભારતની રક્ષા ક્ષમતામાં મોટો વધારો



IAFને સ્વદેશી 'નેત્ર' AEW&C સિસ્ટમને અંતિમ ઓપરેશનલ મંજૂરી, ભારતની રક્ષા ક્ષમતામાં મોટો વધારો



ભારતીય વાયુસેના (IAF)ને સ્વદેશી રીતે વિકસિત 'નેત્ર' એરબોર્ન અર્લી વોર્નિંગ એન્ડ કંટ્રોલ સિસ્ટમ માટે અંતિમ ઓપરેશનલ મંજૂરી (Final Operational Clearance - FOC) મળી છે. સંરક્ષણ મંત્રાલયે ગુરુવારે આ માહિતી આપતાં જણાવ્યું કે આ સિસ્ટમ ભારતીય વાયુસેના, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO) અને દેશની વિવિધ ઉદ્યોગ સંસ્થાઓના સંયુક્ત પ્રયાસોથી વિકસાવવામાં આવી છે.
આ સિસ્ટમ હવાઈ દેખરેખ, દુશ્મનની ગતિવિધિઓ પર સતત નજર, યુદ્ધક્ષેત્રમાં પરિસ્થિતિ અંગેની સચોટ માહિતી અને બેટલ મેનેજમેન્ટ ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરશે. વર્ષ 2017માં તેને પ્રારંભિક ઓપરેશનલ મંજૂરી (IOC) આપવામાં આવી હતી, જ્યારે હવે FOC મળતા તે સંપૂર્ણ રીતે કામગીરી માટે સક્ષમ બની છે.
બેંગલુરુમાં યોજાયેલા સમારોહમાં વાયુસેનાના ઉપપ્રમુખ એર માર્શલ અવધેશ કુમાર ભારતીની ઉપસ્થિતિમાં FOC પ્રમાણપત્ર સોંપવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું કે 'નેત્ર' સિસ્ટમે ઓપરેશન સિંદૂર અને બાલાકોટ એર સ્ટ્રાઈક દરમિયાન વિશ્વસનીય કામગીરી કરીને પોતાની ઉપયોગિતા સાબિત કરી છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે સ્વદેશી ટેક્નોલોજી હોવાને કારણે જરૂરિયાત મુજબ તેમાં ઝડપી ફેરફાર અને આધુનિકીકરણ શક્ય બને છે.
DRDOના એરોનોટિક્સ ક્લસ્ટરની ડિરેક્ટર જનરલ કે. રાજલક્ષ્મી મેનને જણાવ્યું કે આ પ્રોજેક્ટ દરમિયાન અનેક તકનીકી પડકારોનો સફળતાપૂર્વક સામનો કરવામાં આવ્યો હતો. જ્યારે ઇલેક્ટ્રોનિક્સ ક્લસ્ટરના ડિરેક્ટર જનરલ બી. કે. દાસે જણાવ્યું કે DRDO, IAF અને ઉદ્યોગ વચ્ચેનું મજબૂત સંકલન જ આ પ્રોજેક્ટની સફળતાનું મુખ્ય કારણ રહ્યું છે.
સમારોહ દરમિયાન 'નેત્ર' સિસ્ટમના વિકાસ અને સફળ અમલીકરણમાં મહત્વપૂર્ણ યોગદાન આપનારી વિવિધ સંસ્થાઓ અને અધિકારીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ સિદ્ધિને ભારતના સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા અને ‘વિકસિત ભારત’ના લક્ષ્ય તરફનું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.




